ઓખાના દરીયામાં સલાયાના શખ્સ દ્વારા અન્ય બોટના નંબર લગાવી, ખોટા નામની બોટનો ઉપયોગ કરી, બે માસ સુધી માછીમારી કરવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ ખાતે રહેતા હારુન હુશેનભાઈ મામદભાઈ ભાયા નામના 30 વર્ષના માછીમાર મુસ્લિમ વાઘેર યુવાન સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી હારુને પૂર્વયોજિત કાવતરું રચી, ફૈઝાને મીરા સૈયદ અલી નામની આઈએનડી- જીજે- એમ.એમ.- 2233 રજીસ્ટ્રેશન નંબરની માછીમારી બોટ પર ફૈઝાને શાહ બુખારીના રજી. નંબર જીજે-37 એમએમ- 1548 ના નામ નંબર લખી, તેનું પાટિયું લગાવી, ફિશરીઝ વિભાગના કર્મચારીઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી બોટની ખોટી માહિતી આપી, ફૈઝાને શાહ બુખારી બોટ માછીમારી બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરી, બે માસ સુધી માછીમારી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં ઓખા મરીન પોલીસે સલાયાના હારુન હુસેનભાઈ ભાયા તથા અન્ય સંડોવાયેલા મનાતા શખ્સો સાથે સામે આઈ.પી.સી. કલમ 465, 468, 471 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.