કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા વિવિધ નિયમો અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંગેનો ભંગ કરવા બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે કુલ 21 સામે ફરિયાદ નોંધાઇ છે.
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા હનીફશા સલીમશા સાહમદાર અને હરજુગ હાજાભાઈ શાખરા તથા અત્રે રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા મુકુંદ વિરજીભાઈ ડોરુ તેમના ત્રણ વાહન ચાલકોએ પોતાની ઈક્કો મોટરકારમાં વધુ પડતાં મુસાફરો ભરી અને સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા મહેન્દ્રસિંહ બાબુભા જાડેજાએ પોતાના છોટાહાથી વાહનમાં અને વાડીનાર ગામના અસગર ઉમરભાઈ ગજણે પણ પોતાના છોટાહાથી વાહનમાં વધુ મુસાફરો ભરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. આ જ રીતે સલાયાના રહીશ જુનશ રજાક સંઘારે માસ્ક ન પહેરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.
ભાણવડ તાલુકાના ઢેબર ગામના ઇબ્રાહિમ નુરમામદભાઈ હિંગોરાએ પોતાના છકડા રિક્ષામાં પોતે માસ્ક વગર વધુ પડતા મુસાફરો બેસાડી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ જ રીતે રાજકોટ જિલ્લાના ઈશ્વરીયા ગામના વિશાલ ભાણજીભાઇ ચૌહાણે પોતાને ઇકો કારમાં આઠ મુસાફરો લઈને ભાણવડ તરફથી નીકળતા સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.
ઓખાના બસ સ્ટેશન પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા માણશી દેરાજ ચાનપા નામના શખ્સે તથા ઓખાના ભુંગા રોડ પરની પસાર થતા હમીદ સિદિકભાઈ સુરાણી નામના શખ્સોએ માસ્કનો દંડ ભરવાની ના પાડતા સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે. દ્વારકામાં ચેક પોસ્ટ પાસેથી બજાજ રિક્ષામાં કેપેસિટી કરતાં વધુ મુસાફરોને ભરી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા દાઉદ કાસમભાઈ શેખ, તથા હાથી ગેઈટ પાસેથી છકડા રીક્ષામાં છ મુસાફરો સાથે નીકળેલા નીતિનભાઈ માધવજીભાઈ કંસારા સામે દ્વારકા પોલીસે કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી છોટા હાથી વાહનમાં નીકળેલા સમીર સલીમભાઈ જાડેજા, સુરજકરાડી વિસ્તારમાંથી છોટાહાથી વાહનમાં વધુ પડતાં મુસાફરો સાથે નીકળેલા અધાભા ઓઘડભા માણેક અને ભાનુભાઇ મુરુભાઈ વીકમા સામે અને આ જ રીતે આકીબ ઈકબાલભાઈ સુમનિયા સામે મીઠાપુર પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
આ જ રીતે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના સરમણ સવદાસ ચૌહાણે અને કલ્યાણપુરના અમિત ખીમાણંદ ડુવાએ માસ્ક પહેર્યા વગર નીકળતા, તેમજ રાવલ ગામના મોહન બાબુભાઈ ગામી નામના લારી ધારકે માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. જ્યારે લિંબડી ચેક પોસ્ટ પાસેથી છકડા રીક્ષામાં 11 મુસાફરોને લઈને નીકળેલા રાણ ગામના કમા કારાભાઇ જાદવ અને આ જ રીતે રાણ ગામના રણછોડ કાનાભાઈ પરમાર નામના બે શખ્સો સામે કલ્યાણપુર પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.