જામનગરમાં યુવાને 20% વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજની ચૂકવણી કરી હોવા છતાં, એક શખ્સે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના મોરકંડા રોડના રબ્બાની પાર્કની શેરી નંબર પાંચમાં રહેતાં જેનુલભાઇ ઓસમાણભાઇ રાજકોટિયા નામના યુવાનએ ગત્ ઓક્ટોબર 2024થી તા. 28-05-2025 સુધીના સમયગાળા દરમ્યાન જામનગરના રબ્બાની પાર્ક પાછળ ગરીબનવાઝ પાર્કમાં રહેતા સમીર અન્સારી પાસેથી રૂા. બે લાખ માસિક 20 ટકા વ્યાજે લીધાં હતાં અને અત્યાર સુધીમાં ફરિયાદીએ રૂપિયા એક લાખ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં તા. 28 મીના રોજ રાત્રિના સમયે સમીર અન્સારી ફરિયાદી જેનુલભાઇના ઘર પાસે જઇ ફરિયાદીને અપશબ્દો બોલી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો તકલીફ પડશે તેમ ધમકી આપી હતી. આ અંગે જેનુલભાઇ દ્વારા સિટી ‘એ’ ડિવિઝનમાં સમીર અન્સારી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી એએસઆઇ એચ. આર. બાબરિયા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.


