- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે તાજેતરમાં અંધજન અને ડેફ સ્પર્ધકો તેમજ શારીરિક વિકલાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ- ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 માં ખેલ મહાકુંભનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાની અગત્સત્ય સ્કૂલ ખાતે તાજેતરમાં દિવ્યાંગ ખેલાડીઓ અંધજન અને શ્રવણમંદ (ડેફ) માટે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 100 જેટલા અંધજન ખેલાડીઓ તથા 20 શ્રવણમંદ (ડેફ) ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડેફ સ્પર્ધામાં 100 મીટર અને 200 મીટર સ્પર્ધા તેમજ અંધજન વિભાગમાં દોડ, કૂદ, ફેંક વિગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓને ચા-નાસ્તો, એનર્જી ડ્રીંક તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલા ખેલાડીઓને અનુક્રમે 5000, 3000 અને 2000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ડેફ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલા ખેલાડીને રાજ્યકક્ષા માટે અમદાવાદ જવા તથા અંધજન વિભાગના પ્રથમ વિજેતાને વલસાડ ખાતે જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સાથે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક વિકલાંગ ખેલાડીઓ માટેેની સ્પર્ધા પણ જિલ્લા રમતગમત અધિકારી કચેરી તથા દેવભૂમિ દ્વારકા વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના ઉપક્રમે અગતસત્ય સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ 200 જેટલા શારીરિક વિકલાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં 100 મીટર અને 200 મીટરની સ્પર્ધા ઉપરાંત દોડ, કૂદ અને ફેંક જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિજેતાઓને રોકડ રકમ વડે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. શારીરિક વિકલાંગ અંધજન વિભાગની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડી રાજ્યકક્ષાએ નડિયાદ ખાતે રમવા જશે.
આ સમગ્ર આયોજન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
- Advertisement -