જામનગરમાં વાહન અકસ્માતમાં ગંભીર ઇજા અંગે યુવાનને રૂપિયા પચાસ લાખનું વળતર ચૂકવવા વિમા કંપનીને હાઇકોર્ટે હુકમ કર્યો છે.
ભાવિન દ્વારકાદાસ વિઠલાણી નામનો યુવાન પોતાની સ્કૂટી પર બેસીને કાલાવડ રોડપર જતો હતો ત્યારે એક જીપના ચાલકે ઠોકર મારતા આ યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલી અને હેમરેજ જેવી કાયમી ઇજાથી જીવનભર ખોડ રહી ગઇ હતી. આ ઇજાઓ અંગે આ યુવાનને વળતર વધારો મેળવવા વિમા કંપની રોયલ સુંદરમ એલાયન્સ ઇન્સ્યોરન્સ કાું.સામે ગુજરાત હાઇ કોર્ટમાં અપીલ દાખલ થઇ હતી.
આ અપીલની સુનાવણી થતા ઇજા પામનાર ભાવિન વિઠલાણીના એડવોકટ પ્રેમલ એસ.રાચ્છે રજૂઆત કરેલ કે જિંદગીભર કાયમી ખોડ રહેલ છે.જીવનભર દવા-સારવાર ચાલુ રાખવી પડશે. સુપ્રિમ કોર્ટે કાજલ વિરૂધ્ધ જગદીશચંદની અપીલમાં ઠરાવેલ કે જીવનભરની યાતના તથા દવા સારવાર-ખર્ચ પણ આપવો જોઇએ. ગુજરાત હાઇકોર્ટમાં આ અપીલ ચાલી જતાં હાઇકોર્ટે રોયલ સુંદર એલાયન્સ ઇન્સ્યોરન્સ કાું.ને રૂા.50,63,600 વળતર 2010માં કરેલ કેસની તારીખથી ચડત 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.