કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં પ્રેમી પંખીડાએ મોડી રાત્રે એક ઝાડની ડાળીમાં કપડું બાંધી સજોડે ગળાફાંસો ખાઈ લઇ પોતાની જીવન લીલા સંકેલી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. કુટુંબી પિતરાઈ ભાઈ-બહેન હોવાથી લગ્ન જીવન શક્ય નહીં બનતાં સજોડે આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસના પ્રાથમિક તારણમાં ખૂલ્યું હતું.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બાલંભડી ગામની સીમમાં અરવિંદ અકબરીના ખેતરમાં લીમડાના ઝાડની ડાળીમાં એક યુવાન અને તરૂણી સહિત બન્નેના મૃતદેહો ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોવા મળતાં ગ્રામજનો દ્વારા જાણ કરતાં કાલાવડ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઝાડની ડાળીમાં લટકી રહેલા બંને મૃતદેહોને નીચે ઉતારી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ પોલીસે મૃતદેહોની ઓળખ મેળવતા ગળાફાંસો ખાઈ લેનાર રાકેશ તેરિયાભાઈ સંગોડ (ઉં.વ.22) નામનો યુવક મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાલ ગામનો વતની હોવાનું ખુલ્યું હતું. જ્યારે રીટાબેન ગોબરભાઈ સંગોડ (ઉં.વ.16) નામની તરૂણી દાહોદ જિલ્લાના ભાલ ગામની વતની અને બન્ને પિતરાઈ ભાઈ બહેન થતાં હતા. બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધ થયો હતો અને તાજેતરમાં પોતે ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
દરમિયાન રાકેશનો મોટો ભાઈ પરબત સંગોડ બન્નેને શોધી રહ્યો હતો તે દરમિયાન દાણીધાર પાસેથી બંને લોકો મળી આવતા બન્નેને ફરીથી પોતાની વાડીએ લઈ ગયા હતા. પરિવારજનો સાથે વાતચીત થયા પછી તે બન્નેના લગ્ન થવા શક્ય ન હતા તેમ પરિવારે જણાવ્યું હતું. પોતે પિતરાઈ ભાઈ બહેન થતા હોવાથી પ્રેમ સંબંધના કારણે સાથે જીવી શકે તેમ ન હોવાથી સાથે આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી શનિવારે મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી બંનેએ સજોડે નીકળી નજીકમાં જ લીમડાના ઝાડની ડાળીમાં કપડું બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની જાણના આધારે હેકો વી.ડી.ઝાપડીયા અને સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.