જામનગર શહેરમાં આવેલાં ચેન્નાઇના પરિવારનો આઇફોન ગુમ થઇ જતાં પરિવારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ફરજ પર રહેલાં બે પોલીસ કર્મીઓ દ્વારા પરિવારની ફરિયાદ સાંભળી સરાહનિય કામગીરી કરી માત્ર બે કલાક કરતાં ઓછાં સમયમાં આઇફોન શોધીને પરિવારને સોંપ્યો હતો. જેથી પરિવારે જામનગર પોલીસની કાર્યવાહીની બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ ચેન્નાઇમાં રહેતાં પી.પી.શ્રેયસ અને તેનો પરિવાર ગત્ તા.9 નવેમ્બરના રોજ જામનગર આવ્યો હતો અને પી.પી.શ્રેયસના માતાનો આઇફોન 8 પ્લસ ખોવાઇ ગયો હતો. જેથી મોબાઇલ ગુમ થયા અંગે જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતાં. ત્યારે ફરજ પર રહેલાં યોગેન્દ્રસિંહ અને વનરાજભાઇ દ્વારા પરિવારની ફરિયાદ સાંભળી અને અન્ય પ્રદેશમાંથી આવેલાં પરિવારજનોને સાંત્વના આપી હતી અને ત્યારબાદ શ્રેયસ પરિવારના મોબાઇલની શોધખોળ આરંભી માત્ર બે કલાક કરતાં ઓછા સમયમાં આઇફોન શોધી આપ્યો હતો. જેથી શ્રેયસ પરિવાર દ્વારા જામનગર અને ગુજરાત પોલીસની સરાહનિય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. જામનગરના પોલીસકર્મી દ્વારા કરાયેલી સરાહનિય કામગીરીને જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા બિરદાવી હતી