સંત પૂજ્ય પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા એનઆરઆઇ આવશે. જેને લઈ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી-જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે. એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
હોટેલોમાં રોકાયેલા એનઆરઆઇ હરિભક્તોની ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે તેનું પણ વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. એટલે કે તેમને વેલકમ પણ હાથમાં ફૂલ આપી કંકુથી તિલક કરી પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને હરિભક્તોનો પોતાનો ધર્મ સચવાઈ રહે તે માટે હોટેલોએ અન્ય ફૂડના કાઉન્ટર સહિત કિચન 30 દિવસ માટે જુદા કરી દીધા છે. મહોત્સવની ક્લોઝિંગ સેરેમની માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ 7થી 15 જાન્યુઆરી સુધી ઉપસ્થિત રહેશે. બીજી તરફ મહોત્સવના સ્થળ નજીકથી જલદ પદાર્થ લઈ જતાં વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. જ્યારે 24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ આપ્યું હોવાથી એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે.
600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારે ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે ઇઅઙજ દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.
રિંગરોડ પર ઝેરી કેમિકલયુક્ત જ્વલનશીલ પદાર્થો હોય તેવા વાહનની અવરજવર રહે છે, પરંતુ મહોત્સવ દરમિયાન સનાથલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ પરથી આ વાહનો પસાર થઈ શકશે નહીં. તેને બદલે સનાથલ સર્કલથી બાકરોલ ચાર રસ્તા, કમોડ સર્કલ, અસલાલી રિંગરોડ સર્કલ, હાથીજણ સર્કલ, દાસ્તાન સર્કલ, નાના ચિલોડા, તપોવન સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ શકશે.
તમે ચાહે સૌરાષ્ટ્રથી આવી રહ્યા હોવ કે સુરતથી… મહેસાણાથી આવી રહ્યા હોવ કે માણસાથી.. તમારા રૂટથી જ મહોત્સવ સ્થળે સહેલાઈથી પ્રવેશવા માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયા છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિઓ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.