સુપ્રીમ કોર્ટમાં 50 ટકા અનામતનો મામલો પહોંચ્યો છે. કોર્ટે અનામતની મર્યાદા 50 ટકા રાખવી જોઇએ કે કેમ તે અંગે વિચારણા કરવા માટે સુનાવણી શરૂ કરી દીધી છે. આ માટે કોર્ટ 1992ના ઐતિહાસિક મંડલ ચુકાદાની ફરી ચકાસણી કરશે. હાલ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે આ સમગ્ર મામલે સુનાવણી શરૂ કરી દીધી છે. કોર્ટ એ નક્કી કરશે કે આ 1992ના અનામતની મર્યાદાને 50 ટકા રાખતા ચુકાદાને વધુ મોટી બેંચ સમક્ષ મોકલવાની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય લેશે. જોકે અરજદારના વકીલે દલીલ કરી છે કે મંડલ ચુકાદાની ફરી વિચારણા કરવાની જરૂર નથી.
નોંધનીય છે કે મંડલ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે અનામત 50 ટકાથી વધુ ન હોઇ શકે. એટલે કે 50 ટકા અનામતની મર્યાદાને ફિક્સ કરી દેવામાં આવી છે. હવે આ ચુકાદાને લઇને મામલો ફરી સુપ્રીમ પહોંચ્યો છે. સુપ્રીમના ન્યાયાધીશ અશોક ભૂષણની આગેવાની વાળી બેંચે કેટલાક રાજ્યોને આ મામલે નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો. અનામતનો આ મામલો મરાઠા અનામતના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને કારણે સુપ્રીમ કોર્ટમાં ઉઠયો છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલ અરવિંદ દત્તારે કહ્યું હતું કે 1992માં સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચે ઇંદિરા સાહની સાથે સંકળાયેલા વિવાદમાં જે ચુકાદો આપ્યો તેના પર ફરી વિચારણા કરવાની જરૂર નથી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે રાજ્યોને પોતાનો જવાબ રજુ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય આપ્યો છે.