નિષ્ણાતો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર માટે ચિંતાનુ કારણ એ બન્યુ છેકે, ગુજરાતમાં હજુય 93.34 લાખ લોકો એવા છે જેમણે રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો નથી. આ ઉપરાંત 40.07 લાખ લોકોએ તો બીજો ડોઝ જ લીધો નથી.
મહત્વની વાત તો એ છે કે, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને રસી આપવા ખાસ તાકીદ કરી હતી પણ સરકાર જાણે ઉંઘતી રહી હતી. હવે દસ દિવસના અંતે સરકાર સફાળી જાગી છે અને આરોગ્ય વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્રને બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોની તૈયાર કરવા આદેશ કર્યો છે.સાથે સાથે વધુ મોપ અપ રાઉન્ડ કરવા સૂચના આપી છે.
ગુજરાત કોરોનામુક્ત રાજ્ય બને તે હેતુસર આરોગ્ય વિભાગે રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.આમ છતાંય લોકો રસી લેવાના મામલે બેદરકાર રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. રાજ્યમાં કુલ 53,27,391 લોકોેએ રસીનો પ્રથમ ડોઝ જ લીધો નથી. જયારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધાં બાદ 42,46,434 લોકો નિયત સમય મર્યાદામાં રસીનો બીજો ડોઝ લેવા આવ્યા જ નથી. 12,19,928 લોકો તો એવા છે જેમણે પ્રથમ ડોઝ લીધા બાદ નિયત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ છ અઠવાડિયા વીતી ચૂક્યા છે.
તેમ છતાંય બીજો ડોઝ લેવા આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા નથી જે સરકાર માટે ચિંતાનુ કારણ બની રહ્યુ છે. 4 થી 6 સપ્તાહ કરતાં વધુ સમય થયો હોય તેવા લોકોની સંખ્યા 5,81,005 છે. જયારે પ્રથમ ડોઝ લીધા બાદ 2 થી 4 સપ્તાહ કરતાં વધુ સમય થયો હોય તેવા લાભાર્થીઓની સંખ્યા 6,32,748 સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સીન રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તો 28 દિવસ બાદ બીજો ડોઝ અપાય છે જયારે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય ત્યાર પછી 84 દિવસના અંતે રસીનો બીજો ડોઝ આપવામાં આવે છે. રાજ્ય આરોગ્ય વિભાગે રસીકરણના મામલે વાહવાહી મેળવી રહ્યુ છે પણ અસલી વાસ્તવકિતા એ છેકે, હજુય કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં રસીકરણની કામગીરી નબળી રહી છે. કેન્દ્ર સરકારે તા.14મી ઓક્ટોબરે પત્ર લખીને જાણ કરી હતી આમ છતાંય આરોગ્ય વિભાગ ઉંઘતુ રહ્યુ હતું. આખરે વિડીયો કોન્ફરન્સમાં તાકીદ કરતાં આરોગ્ય વિભાગે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્રને વધુ મોપ અપ રાઉન્ડ કરવા સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, પણ બીજો ડોઝ બાકી હોય તેવા લોકોની યાદી તૈયાર કરવા પણ આદેશ છૂટયો છે.