જામનગર શહેરમાં માર્ગો પર આવેલ ડીવાઇડરોની રેલિંગ પર તંત્ર દ્વારા રંગ-રોગાન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આગામી તા. 25ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતે આવી રહ્યા હોય, જેને લઇ જામનગરનું તંત્ર પણ સજ્જ થયું છે અને જામનગરમાં માર્ગો પર ડીવાઇડરો પરની રેલિંગને રંગરોગાન કરવામાં આવી રહ્યાં છે. જામનગર શહેરમાં અનેક માર્ગો પર ખાડાઓ થયા છે. જેને પરિણામે શહેરીજનોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવતો હોય છે. ત્યારે તંત્રને શહેરીજનોની આવી મુશ્કેલી ધ્યાનમાં આવતી નથી. પરંતુ જ્યારે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા મહાનુભાવો જામનગરની મુલાકાતે આવવાના હોય કે પછી આવા મહાનુભાવોની મુલાકાત હોય ત્યારે તેઓ જે માર્ગ પરથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે માર્ગોને તંત્ર દ્વારા ચકચકાટ કરી દેવામાં આવે છે. ત્યારે સામાન્ય દિવસોમાં કેમ કઇ ધ્યાન દેવામાં આવતું નથી? તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. વડાપ્રધાન કે, મુખ્યમંત્રી કાફલો જામનગર આવતો હોય કે જામનગરના માર્ગો પરથી પસાર થવાનો હોય, ત્યારે તે માર્ગો પર રસ્તામાં ખાડા બુરવામાં આવે છે અને પેચવર્ક તેમજ માર્ગો પર રંગરોગાન પણ કરવામાં આવે છે. તો શું સામાન્ય નાગરિકો માટે કાયમી માટે આવી સારી સુવિધા ન મળી શકે? સામાન્ય નાગરિકોને માર્ગ પરના ખાડાઓ તારવીને પસાર થવું પડતું હોય છે. જ્યારે મહાનુભાવો આવવાના હોય ત્યારે રસ્તા સારા બની જાય છે. આમ, કોઇ મહાનુભાવો આવે ત્યારે જ શું સામાન્ય જનતા આ સુખાકારીનો લાભ મેળવી શકે?