મધ્યસ્થ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ કોક, પેપ્સી અને બિસલેરી જેવી મોટી કંપનીઓ ઉપર અંદાજે રૂપિયા 72 કરોડનો ભારે ભરખમ દંડ લાદ્યો છે. પ્લાસ્ટિક કચરાના ડિસ્પોઝલ અને કલેક્શનની જાણકારી સરકારી બોર્ડને ના આપ્યા બદલ દંડ ફરમાવવામાં આવ્યો છે. સીપીસીબીએ બિસલેરી પર રૂપિયા 10.75 કરોડ, પેપ્સિકો ઇન્ડિયાને રૂપિયા 8.7 કરોડ અને કોકાકોલા બેવરેજ પર રૂપિયા 50.66 કરોડનો દંડ ફરમાવ્યો છે.
બાબા રામદેવની પતંજલિ કંપનીને પણ રૂપિયા 1 કરોડનો દંડ ફરમાવવા કહેવામાં આવ્યું છે. એક અન્ય કેપનીને રૂપિયા 85.9 લાખનો દંડ ભરવા કહેવામાં આવ્યું છે. સીપીસીબીએ તમામને 15 દિવસમાં દંડની રકમ ભરી દેવા ફરમાન કર્યું છે. પ્લાસ્ટિક કચરાના કેસમાં એક્સ્ટેન્ડેન્ટ પ્રોડયૂસર રિસ્પોન્સિબિલિટી (ઇપીઆર) એક નીતિ વિષયક માપદંડ છે. તે માપદંડ મુજબ પ્લાસ્ટિક ઉત્પાદક કંપનીઓને પ્રોડક્ટના ડિસ્પોઝલની જવાબદારી લેવી પડે છે.
ભારતની એક દવા કંપની પર અમેરિકામાં રૂપિયા 364 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું કે ફ્રેસેનિયસ કાબિ ઓન્કોલોજી લિમિટેડ (એફ.કે.ઓ.એલ.) કંપનીએ નિરીક્ષણ કામગીરી વખતે જાણકારી છુપાવવાનો તેમજ રેકોર્ડનો નાશ કર્યો હોવાના આરોપનો સ્વીકાર કરી લીધો છે. કંપની પર આક્ષેપ થયા હતા કે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વહીવટીતંત્ર (એફડીએ)ની ટીમ વર્ષ 2013માં કંપની કાર્યાલયે તપાસ માટે પહોંચી તે પહેલાં સંખ્યાબંધ રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. તેના કારણે દર્દીઓના જીવન સામે ખતરો સર્જાયો હતો. અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું હતું કે એફકેઓએલ કંપનીના સ્ટાફે કોમ્પ્યૂટરમાંથી ડેટા ડિલીટ કર્યો હતો. કેટલાક દસ્તાવેજોની હાર્ડકોપીને પણ ગાયબ કરી દીધી હતી.
બિસલેરીનો પ્લાસ્ટિક કચરો 21,500 ટન અંદાજવામાં આવ્યો છે. તેના પર પ્રતિ ટન રૂપિયા પાંચ હજારને હિસાબે દંડ લાગે છે. પેપ્સી પાસે 11,194 ટન પ્લાસ્ટિક કચરો છે. કોકાકોલા પાસે 4,417 ટન પ્લાસ્ટિક કચરો હતો. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 દરમિયાન આ કચરો હતો. કોકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સીપીસીબી તરફથી નોટિસ મળી છે. કાયદાના પૂરા અમલ સાથે ઓપરેશન ચાલે છે. ઓર્ડરની સમીક્ષા થઈ રહી છે. તે પછી સંબંધિત સત્તાવાળાનો સંપર્ક થશે. પેપ્સીકોએ પણ જણાવ્યું કે પ્લાસ્ટિક કચરાને મુદ્દે ઇપીઆરનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે.