દેશમાં અનેક વિસ્તારોમાં બત્તી ગુલ થઈ જવાની શકયતા જણાઈ રહી છે. દેશમાં ઓછામાં ઓછા 86 થર્મલ પાવર પ્લાન્ટ્સની પાસે 18મી ઑક્ટોબર સુધીમાં કોલસાનો જથ્થો ચિંતાજનક રીતે ખૂબ જ ઓછો હતો. એમાંથી છ પાવર પ્લાન્ટ આયાત કરવામાં આવેલા કોલસા પર આધારિત છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટી (સીઈએ)ના એક રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે. પાવર પ્લાન્ટ્સની બાબતમાં એવી સિચુએશનને કોલસાનો ગંભીર રીતે ખૂબ જ ઓછો જથ્થો ગણે છે કે જ્યારે સ્ટાન્ડર્ડ લેવલ કરતાં કોલસા જેવા ડ્રાય ફયુઅલનો જથ્થો 25 ટકા કરતાં ઓછો હોય. સીઈએના 18 ઑક્ટોબર, 2023 માટેના ડેઇલી કોલ રિપોર્ટ અનુસાર દેશમાં મોનિટર કરવામાં આવેલા 181માંથી ઓછામાં ઓછા 86 થર્મલ પાવર પ્લાન્ટ્સની પાસે કોલસાનો જથ્થો ચિંતાજનક રીતે ઓછો છે.
કોલસાની શોર્ટેજની ચિંતાજનક સ્થિતિમાં પંજાબમાં જીવીકે પ્લાન્ટ ઑલરેડી કોલસાની શોર્ટેજની સમસ્યાને કારણે બંધ થયો છે. તલવંડી સાબો ખાતે પાવર પ્લાન્ટના તમામ ત્રણ યુનિટ્સની પાસે માત્ર બે દિવસ ચાલે એટલો સ્ટોક બચ્યો છે. રાજસ્થાનમાં તમામ સાત થર્મલ પ્લાન્ટ્સની પાસે માત્ર 2થી 14 ટકા જેટલો ઓછો કોલસાનો જથ્થો છે. પશ્ચિમ બંગાળમાં છ પ્લાન્ટ્સ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ પ્લાન્ટ્સ પણ કોલસાની શોર્ટેજ છે.
લગભગ 149 ગીગા વોટ્સની કુલ ક્ષમતા ધરાવતા ઘરેલુ કોલસા પર આધારિત 148 નોન-પિથેડ પાવર પ્લાન્ટ્સની પાસે સ્ટાન્ડર્ડ લેવલ કરતાં 29 ટકા ઓછો ડ્રાય ફયુઅલ સ્ટોક છે. આ 148 પ્લાન્ટ્સની પાસે 18મી ઑક્ટોબર, 2023ના રોજ 4.35 કરોડ ટનના સ્ટાન્ડર્ડ લેવલની સામે લગભગ 1.27 કરોડ ટન કોલસાનો જથ્થો હતો. નોન-પિથેડ પાવર પ્લાન્ટ્સ એટલે કે એવા પ્લાન્ટ્સ કે જ્યાં ખૂબ જ દૂર રહેલી કોલસાની માઇન્સમાંથી કોલસો સપ્લાય કરવામાં આવતો હોય. 18 ઘરેલુ પિથેડ પ્લાન્ટ્સની પાસે સ્ટાન્ડર્ડ લેવલના 81 ટકા જથ્થો છે. આ 18 પ્લાન્ટ્સની કુલ પાવર જનરેશન કેપિસિટી લગભગ 40 ગીગાવોટ્સ છે. પિથેડ પ્લાન્ટ્સ એટલે કે એવા થર્મલ પાવર પ્લાન્ટ્સ કે જે કોલસાની માઇન્સની નજીક હોય છે અને તેઓ ત્યાંથી કોલસાની સપ્લાય મેળવતા હોય. એક્સપર્ટ્સ અનુસાર આવા પાવર પ્લાન્ટ્સ માટે કોલસાના સ્ટોકની સિચુએશન મોટા ભાગે ગંભીર રહેતી નથી, કેમ કે એ કોલસાની ખાણોની નજીક હોય છે. એકંદર ડ્રાય ફયુઅલ સ્ટોકની સિચુએશન આયાતી કોલસા પર આધારિત 15 પાવર પ્લાન્ટ્સ માટે સારી છે. જ્યાં સ્ટાન્ડર્ડ લેવલના બાવન ટકા જેટલો જથ્થો છે. આ 15 પાવર પ્લાન્ટ્સની 17 ગીગા વોટ્સની કુલ જનરેશન કેપેસિટી છે.