ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિ ને ઉજાગર કરી આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ ક્ષમતા, વર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે.
નવરાત્રી પર્વને અનુલક્ષમાં ચણીયા ચોલી, ઈમિટેશન, જવેલરી, દાંડીયા, કુર્તી, ગરબા, દીવડા જેવી નવરાત્રીને અનુરૂપ ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખંભાળીયા દ્વારા ગ્રામહાટ, મંદિર ચોક, દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મેળાનો શુભારંભ પબુભા સુકાલભા માણેક, કારોબારી ચેરમેન, દ્રારકા તાલુકા પંચાયત તથા કે.વી.શેરઠીયા, તાલુકા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો છે. આ તકે ઓસડ મહિલા સંઘના પ્રમુખ લીલાબેન તથા ઓખામંડળના વિવિધ જૂથ ના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વ સહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ માટે ગ્રામ હાટ, મંદિર ચોક, દ્વારકા ખાતે નવરાત્રી મેળાનું આયોજન તા. 27 સપ્ટેમ્બર, 2022 સુધી કરવામાં આવેલ છે. આ મેળો સવારના 10.00 કલાકથી રાત્રીના 09.00 કલાક સુધી ખુલ્લો રહેશે. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર દ્વારા સર્વે લોકોને મેળાની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.