જામનગર શહેરમાં ગઇકાલે રવિવારે રજાના દિવસે મેઘકૃપા તથા શહેરીજનોને રવિવારની રજામાં વરસાદનો લાભ મળ્યો હતો. જામનગરમાં ગઇકાલે રવિવારે પોણા બે ઇંચ વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. તો કેટલાક સ્થળોએ ખાબોચીયા પણ ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જામનગર શહેર ઉપરાંત ધ્રોલમાં અડધો ઇંચ જ્યારે કાલાવડની સાથે જામજોધપુરમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતાં. અન્ય તાલુકા મથકોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી શહેરીજનોને ગરમીમાંથી આંશીક રાહત મળી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસના ભારે ઉકળાટ અને આકરો તાપ પડ્યા પછી રવિવારે વહેલી સવારથી હવામાન પલટાયું હતું, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જેમાં બપોરે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો, અને સાંજે 7.30 વાગ્યા સુધીમાં 40 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આજે પણ વરસાદી વાતાવરણ બનેલું છે.
જામનગર શહેર બાદ ધ્રોલ અને જામજોધપુરમાં પણ સવારથી વરસાદી વાતાવરણ બન્યા બાદ બપોરે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ધ્રોળમાં 15 મી.મી., કાલાવડમાં પાંચ મી.મી., અને જામજોધપુરમાં બે મી.મી. વરસાદ નોંધાયો છે. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુર્યદેવતાના દર્શન દુર્લભ બન્યા છે, અને વાદળછાયુ વાતાવરણ બનેલું છે.
જામનગર તાલુકાના દરેડ ગામમાં ગઈકાલે સાંજે 23 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નારાણપર અને અલિયા ગામમાં 15 મી.મી., વસઈ માં 12 મિ.મી., સપડામાં 12 મી.મી. અને ફલ્લામાં 14 મી.મી. વરસાદ નોંધાયો હતો.


