સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહનું આજરોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરણાથી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું. દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમતક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદેશથી સશકત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૂપે 12 જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સંસદીયક્ષેત્રના લોકો માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025નું દરેક સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખેલ મહોત્સવમાં મહિલા વિભાગમાં 267 ટીમો અને પુરૂષ વિભાગમાં 1076 ટીમો મળી કુલ 1343 ટીમોએ ટીમ ઇવેન્ટની સ્પર્ધાઓમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. તેમજ બીજી વ્યકિતગત રમતોમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એથ્લેટીકસ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખો ખો, કબડ્ડી, નારગોલ અને સંગીતા ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સમગ્ર ખેલ મહોત્સવમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલા 2,35,000થી વધુ સ્પર્ધકો અને 65000 જેટલા શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થી-બાળકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી 3 લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો.
આ સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ આજરોજ યોજાયો હતો. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં અને પોતાનું વકતવ્ય આપ્યું હતું. આ સમાપન સમારોહમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, અગ્રણી જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


