જામનગર સહિત હાલાર પંથકમાં વાદળોની જમાવટ વચ્ચે ટાઢોળુ છવાયું હતું. રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સર્જાયેલા માવઠાના માહોલે ખેડૂતોને ચિંતામાં મૂકયા છે. જામનગર શહેરમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે વાતાવરણ પલટાતા આજે સૂર્યનારાયણના મોડે સુધી દર્શન થયા ન હતાં. તેમજ સવારે 8:30 વાગ્યા આસપાસ હળવા છાંટા જોવા મળ્યા હતાં. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યાનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી, હવામા ભેજનું પ્રમાણ 62 ટકા તથા પવનની ગતિ 10 થી 20 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. શહેરમાં બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નજીક રહ્યાં બાદ તાપમાનનો પારો ઉંચકાતાં આજે 17.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જેના પરિણામે મોડીરાત્રે અને વ્હેલી સવારે શહેરીજનો ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ઠંડી વધતાં લોકોને પંખા, એસી બંધ કરવાની ફરજ પડી છે.