જામનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડમાં બસ ચાલકે રીવર્સમાં લેતા સમયે સફાઈ કામ કરતી તરૂણીને હડફેટે લઈ ઈજા પહોંચાડી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારના એમ 52 બ્લોક નં.3875 માં રહેતાં હંસાબેન ગોપાલભાઈ રાઠોડ નામના મહિલાની પુત્રી નંદીની (ઉ.વ.17) નામની તરૂણી ગત તા.10 ઓકટોબરના રોજ સાંજના સમયે પ્લેટફોમ નંબર 5 થી 9 વચ્ચેની જગ્યામાં સફાઈ કામ કરતી હતી તે દરમિયાન જીજે-18-ઝેડ-5162 નંબરની એસટી બસનો ચાલક તેની બસ રિવર્સમાં લેતો હતો પરંતુ બસ ચાલકે બેધ્યાન રહી રીવર્સમાં લેતા સમયે તરૂણીને બે બસ વચ્ચે હડફેટે લઇ લેતા ઈજા પહોંચી હતી. અકસ્માતમાં બે બસ વચ્ચે તરૂણી ચગદાઈ જતા દોડાદોડ થઈ ગઈ હતી. ત્યારબાદ બસનો ચાલક નાશી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હંસાબેનના નિવેદનના આધારે એએસઆઇ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.