જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલ ટેકસ ન આપવા બાબતે અલ્ટો કારના ચાલક સહિતના ત્રણ શખ્સોએ કર્મચારીને પતાવી દેવાની ધમકી આપી ટોલ ટેકસ પરનું બેરીયર તોડી નાખી નુકસાન પહોંચાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા ટોલટેકસ પરથી સોમવારે સવારના સમયે પસાર થતી જીજે-10-સીએન-7586 નંબરની કારમાં બેસેલા મહેમુદ સીદીક દલ, સીદીક જાકુબ દલ તથા ઈકબાલ સીદીક દલ (રહે. ઝીંઝુડા, જિ. મોરબી) નામના ત્રણ શખ્સોએ ટોલ ટેકસ ન આપવા બાબતે ટોલટેકસના કર્મચારી મીલન વાઢીયા સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ટોલ ટેકસ પર લગાવેલું બેરીયર તોડી નાખી રૂા.2800 નું નુકસાન પહોંચાડયું હતું. ટોલટેકસ પર થયેલી બબાલ અંગેના સીસીટીવી પણ બહાર આવ્યા છે. આ મામલે કર્મચારી મીલનના નિવેદનના આધારે એએસઆઇ આર.એમ. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.