જામનગરમાં ઢીંચડા રીંગ રોડ પર કંપનીની જમીનના વિવાદ અને કોર્ટ કેસ ચાલુ છે ત્યારે જમીન જોવા ગયેલા યુવાન સહિતનાઓ ઉપર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે પણ ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા, લોખંડના પાઇપ વડે સામો હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં સામસામા હુમલાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં સલીમભાઇ મહમદઅલી છેર (ઉ.વ.48) તથા હાસમભાઇ, રૂસસાનાબેન, સહારાબેન સહિતનાઓ ઢીંચડા રોડ પર આવેલી ઇન્ટીગ્રેટેડ અરવિંદ એન્ડ કંપનીની જમીન ખાતે ગયા હતા. આ જમીનનો વિવાદ તથા કોર્ટકેસ ચાલુ હોય જેથી વિવાદિત જગ્યાએ ગયેલા સલીમભાઇ ઉપર કારુ પતાણી, હાજી પતાણી અને હાજીના બે દીકરા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી, બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. સલીમ ઉપર કૂહાડી વડે હુમલો કર્યો હતો. અન્ય લોકોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરતાં સલીમને બચાવવા પડેલા હાસમભાઇ, રૂખસાનાબેન કકલ, સહારાબેન ઉપર ચારેય શખ્સોએ હુમલો કરી, ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે હાસમ જાકુબ કકલ, અનવર અબ્દુલ કકલ, સલીમ મહમદઅલી છેર, મહેબૂબ મહમદઅલી છેર નામના ચાર શખ્સોએ જમીનના ચાલતા વિવાદ સંદર્ભે કારૂભાઇ પતાણી ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હાજીભાઇ ઉપર પાઇપ અને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સામસામા કરાયેલા સશસ્ત્ર હુમલામાં અડધો ડઝન જેટલા વ્યકિતઓ ઘવાયા હતા. આ ઘવાયેલા લોકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે સલીમ છેરની કારૂ પતાણી સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ અને સામાપક્ષે કારૂ પતાણીની સલીમ છેર સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ હુમલાની સામસામી ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


