જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં મોડપીરડાડાના મંદિરે સીસીટીવી કેમેરા કઢાવી નાખવા માટે ચાર શખ્સોએ ત્રણ યુવકો ઉપર છૂટી સોડા બોટલોના તથા પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે ચાર શખ્સોેએ બે માસ પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી છરી-પાઈપ વડે હુમલો કર્યો હતો. સામસામા કરાયેલા હુમલામાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં રહેતાં મહાવીરસિંહ ભીખુભા રાઠોડ નામના યુવક તથા તેમના મિત્રો દ્વારા મોડપીર ડાડાના મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવેલ હતાં. જે કેમેરા કાઢી નાખવા માટે વિશાલપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામી અને ધર્મેન્દ્રસિંહ ભીખુભા ઉર્ફે ટપી બાપુ નામના બન્ને શખ્સોએ કેમેરા કઢાવી નાખવાનું કહ્યું હતું. પરંતુ મહાવીરસિંહ કેમેરા નહીં કઢાવ્યાનો ખાર રાખી વિશાલપુરી, ધર્મેન્દ્રસિંહ, મીલન માધવજી, અમિત ઉર્ફે અનિયો નામના ચાર શખ્સોએ એકસંપ કરી છૂટી સોડા બોટલોના ઘા કરી હુમલો કર્યો હતો. તેમજ પાઈપ વડે માર માર્યો હતો.
સામાપક્ષે રણજીતસિંહ ઉર્ફેે ખીસકોલો, વિરમ, સહદેવસિંહ અને અર્જુનસિંહ સહિતના ચાર શખ્સોએ વિશાલપુરી અને વિશાલપુરીના મિત્ર અમિત સાથે બે માસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ એકસંપ કરી છરી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ સામસામા હુમલામાં મહાવીરસિંહ ભીખુભા રાઠોડ, વિશાલપુરી ગોસ્વામી સહિતના પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.