જામનગરમાં ગઇકાલે શહેરીજનોની પતંગોત્સવની મજા અબોલ પક્ષીઓ માટે સજા બની હતી. જામનગરમાં અલગ અલગ સ્થળોએ 70થી વધુ પક્ષીઓ ઘાયલ થવાની ઘટના સામે આવી હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં ગઇકાલે જામનગરવાસીઓએ ઉતરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જોકે ઉતરાયણની આ ખુશી જામનગરમાં પક્ષીઓ માટે ઘાતક બની હતી. જામનગરમાં ગઇકાલે પતંગની દોરીઓને કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાની ઘટનાઓ સામે આવી હતી. ઉતરાયણ દરમિયાન વહેલી સવારે પક્ષીઓના ઉડાન ભરવાના સમય દરમિયાન આકાશમાં પતંગના દોરા હોવાના કારણે અનેક વખત પક્ષીઓ તેમાં ફસાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગઇકાલે મકરસંક્રાંતિના પાવન પર્વ દરમિયાન પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી જેમાં પતંગના દોરા કારણે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કુલ 78 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતાં.
View this post on Instagram
ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે અગાઉથી જ સરકાર દ્વારા કરૂણા અભ્યાન તેમજ વિવિધ પક્ષીપ્રેમી સંસ્થાઓ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતાં અને ગઇકાલે આ માટે ખાસ સેવા હાથ ધરાઇ હતી. પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સમયસર બચાવવા માટે વન વિભાગ, વેટરનરી વિભાગ તથા વિવિધ સેવાભાવી અને પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓને સલામત રીતે બચાવી તેમની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત ખીજડીયા પક્ષી અભિયારણ ખાતે આવેલ કેમ્પસ અને રેસ્કયુ સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા હતાં. જ્યાં નિષ્ણાંત પશુ ચિકિત્સો દ્વારા પક્ષીઓને વધુ સારવાર આપવામાં આવી હતી.
રેંજ જામનગર, જામનગર વન વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરાઇ હતી. પક્ષીપ્રેમીઓ વિશ્ર્વાસભાઇ ઠકકર, ફિરોજખાન પઠાણ સહિતના દ્વારા પક્ષી સારવાર કરવામાં આવી હતી.


