જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ચોરીના બનાવમાં પોલીસે વુલનમીલ વિસ્તારમાં રહેતાં તસ્કરને સોનાના દાગીના અને રોકડ સાથે ઝડપી લીધો હતો. તેમજ મયુરનગર આવાસમાં પાણીના ટાંકાના લોખંડના ઢાંકણાની ચોરીમાં સીક્કાના શખ્સને ઝડપી લઇ ચોરાઉ ઢાંકણા કબ્જે કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગેની પો.કો. હર્ષદ પરમાર અને હોમદેવસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વુલનમીલ ખેતીવાડી પાસે રહેતાં ગોવિંદ ઉર્ફે રોમન જશા પરમાર નામના શખ્સને ઝડપી લઇ તલાસી લેતા તેની પાસેથી રૂા.45,000 ની કિંમતના 15 ગ્રામ વજનના સોનાના કાપ નંગ-2 અને રૂા.3500 ની રોકડ રકમ મળી આવતા પોલીસે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ જામનગરના મયુરનગર આવાસમાં પાણીના ટાંકાના લોખંડના ઢાંકણાની થયેલી ચોરીના બનાવ અંગેની હેકો જાવેદ વજગોર અને નારણભાઈ સદાદીયાને મળેલી બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી દિગ્જામ સર્કલ પાસે નવા પુલ નીચેથી સીક્કા ગામમાં રહેતા ભીમા કુશા રાઠોડ નામના તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી 6000 ની કિંમતના પાણીના ઢાંકણા ચાર નંગ તથા કટકા સહિતનો ચોરાઉ માલ કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.