જામનગર શહેર સહિત હાલારપંથકમાં શિયાળાનો માહોલ જામતો જઈ રહ્યો છે. વાતાવરણ ઠંડુબોર થતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. હજુ આગામી દિવસોમાં વધુ ઠંડી જોવા મળી શકે છે. જામનગરમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે તેમજ બર્ફીલા પવનોને કારણે શહેરીજનો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને તાપણાનો સહારો પણ લઇ રહ્યા છે.
ઉત્તર ભારતમાં શિતલહેરની અસર જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનાના પ્રારંભથી શરૂ થયેલ ઠંડી ધીમે ધીમે વધતી જઈ રહી છે. શિયાળો અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. જામનગરમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાતા ઠંડીનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, જામનગરમાં મહત્તમ તાપમાન 26.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 46 ટકા, તથા પવનની ગતિ 8.5 કિ.મી. પ્રતિકલાક નોંધાઈ હતી. જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે અને કાતિલ ઠારને પરિણામે વહેલીસવારે તેમજ મોડીરાત્રે રાજમાર્ગો પર સંપો પડતો જઈ રહ્યો છે.
જામનગર શહેરમાં બર્ફીલા પવનો અને ઠારને પરિણામે વૃધ્ધો તથા બાળકો બહાર જવાનું ટાળી રહ્યા છે. તેમજ મોડીસાંજે તથા વહેલીસવારે માર્ગો પર ચહલપહલ પણ ધીમે ધીમે ઘટતી જઈ રહી છે. લોકો રાત્રિના સમયે તાપણાનો પણ સહારો લઇ રહ્યા છે. વહેલીસવારે મોર્નિંગ વોક તેમજ યોગ કસરત કરનારાની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો થતો જઈ રહ્યો છે. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની અસર વધી રહી છે. ગામડાઓમાં સવારે બજારો મોડી ખુલતી જઈ રહી છે તેમજ સાંજે બજારો વહેલી બંધ થતી જઈ રહી છે. ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
ઠંડી વધતા ગરમ વસ્ત્રોની ખરીદીમાં શહેરીજનોની ભીડ જામી રહી છે. તો બીજી તરફ શહેરીજનો ઠંડીનું પ્રમાણ વધતા ચા-કોફી, કાવો, સુપ સહિતના ગરમ પીણાની સાથે સાથે શેરડી, જીંજરા, સીતાફળ, ચીકી, અડદિયા, ખજુરપાક સહિતની શિયાળુ ખાણીપીણીનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે. આ સાથે બજારોમાં વિવિધ પ્રકારના શાકભાજીનો પણ ભરપૂર પ્રમાણમાં આવી ચૂકયા હોય. લોકો રિંગણાનો ઓળો, ઉંધીયુ સહિતની ચીજવસ્તુઓ પણ આરોગી રહ્યા છે. માનવીઓની સાથે સાથે ઠંડીની પશુ-પક્ષીઓમાં પણ અસર જોવા મળી રહી છે.