જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં અનેક વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોય જેને લઇ રહેવાસીઓમાં રોષની લાગણી છવાઈ હતી. લોકો દ્વારા ધ્રોલ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે કચરો ઠલવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
ધ્રોલમાં આવેલ મેમણ ચોક, વાણંદ શેરી સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં એક મહિનાથી સાફ સફાઈ થતી ન હોય, આ વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈના અભાવે વિસ્તારોમાં ગંદકીના પરિણામે રોગચાળાની પણ દહેશત લોકોમાં જોવા મળી રહી છે. આ અંગે નાગરિકો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચે ત્યારે ચીફ ઓફિસર પણ હાજર હોતા નથી અને બપોર બાદ જ ચીફ ઓફિસર આવતા હોવાનું પણ લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. છેલ્લાં એક મહિનાથી ધ્રોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ ન થતી હોય, લોકોએ ધ્રોલ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે કચરો ઠાલવી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.