કોરોના મહામારીને કારણે ઠપ થઈ ગયેલા સિનેમા હોલ પરથી પ્રતિંબધો હવે ઉઠી રહ્યા છે. લોકડાઉન બાદથી સિનેમા ઉદ્યોગની માઠી હાલત છે અને હવે થિએટરોના દરવાજા સંપુર્ણ ખોલી નાખવા નિર્ણય લેવાયો છે.
આ પહેલા કેન્દ્ર સરકારે સ્નાનાગારો અને જિમ ખુલ્લા મૂકી દીધા છે. સિનેમા હોલને પણ પુર્ણ ક્ષમતાથી ખુલ્લા મૂકવા મંજૂરી આપવા લાંબા સમયની માગ આખરે ફળી છે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે 1 ફેબ્રુઆરીથી તમામ પ્રોટોકોલને સંપુર્ણ ફોલો કરતાં સિનેમા હોલ 100 ટકા ક્ષમતાથી ખોલી શકાશે. વધુને વધુ ઓનલાઈન બુકિંગ લેવા પર ધ્યાન આપવામાં આવશે. બે શો વચ્ચે અંતર રખાશે જેથી એકસાથે ભીડ એકઠી ન થાય.
આ પહેલા સોશિયલ ડિસ્ટન્સ સાથે સિનેમા હોલ ખોલવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી. તેમ છતાં સિનેમા હોલમાં દર્શકો પાછા ફર્યા ન હતા. તે વખતે સિનેમા હોલમાં બે સીટ વચ્ચે એક ખાલી રાખવા ફરજિયાત બનાવવામાં આવ્યુ હતું. સિનેમા હોલ સંપુર્ણ ક્ષમતાથી ખુલ્યા ન હોવાથી નિર્માતાઓએ નવી ફિલ્મ રિલીઝ કરવામાં રસ દાખવ્યો ન હતો.’