Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરછોટીકાશી બનશે શિવમય, શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે - VIDEO

છોટીકાશી બનશે શિવમય, શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે – VIDEO

શ્રાવણ માસને લઇ શિવભકતોમાં અનેરો ઉત્સાહ : આગામી 30 દિવસ શિવ મંદિરોમાં ભકતોનું ઘોડાપુર ઉમટશે : શિવાલયોને રોશનીનો શણગાર કરાયો : શ્રૃંગાર દર્શન, જળાભિષેક, રૂદ્રપૂજા સહિતના આયોજનો થશે

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે જેને લઇ શિવભકતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં આવતીકાલથી 30 દિવસ સુધી શિવ મંદિરોમાં શિવ ભકતોની ભારે ભીડ જામશે. ભગવાન ભોળાનાથને રીઝવવા શિવ મંદિરમાં ભકતોનો ઘોડાપુર ઉમટશે. શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં શ્રૃંગાર દર્શન, મહાઆરતી, અન્નકોટ દર્શન, જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરૂદ્ર, મહારૂદ્ર, પૂજા સહિતના અનેક આયોજનો થશે.

- Advertisement -

છોટીકાશીથી સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં જેટલા શિવ મંદિરો હશે તેટલા કદાચ કોઇ જિલ્લામાં હશે. નાના-મોટા અનેક શિવાલયની નગરી એવા જામનગર સહિત હાલાર પંથકમાં આવતીકાલથી ‘હર હર મહાદેવ’ ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજી ઉઠશે આવતીકાલ તા.25 જુલાઇને શુક્રવારથી પવિત્ર માસ એવા શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આગામી 30 દિવસ જામનગર શહેર શિવજીના રંગે રંગાઇ જશે શિવ ભકતો ભગવાન ભોળાનાથને રીઝવવા આતુર થયા છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવી રહ્યા છે. આ ચાર સોમવાર દરમિયાન શિવ મંદિરોમાં ભકતોનું ઘોડાપુર જોવા મળશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમવારનું અનેરૂ મહત્વ હોય છે.

- Advertisement -

શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જામનગરના પુરાણ પ્રસિઘ્ધ સિઘ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશીવિશ્ર્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કુબેર ભંડારી મહાદેવ મંદિર, ઇચ્છેશ્વર મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, બેડેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, વૈધનાથ મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ઉપરાંત જિલ્લાના ભોળેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના-મોટા શિવ મંદિરોમાં આવતીકાલથી ભારે ભીડ જોવા મળશે. શ્રાવણ માસને લઇ શિવ મંદિરોમાં ભવ્ય રોશનીના શણગાર પણ કરવામાં આવ્યા છે. મંદિરોમાં રંગરોગાન, સાફ સફાઇ સહિતના કાર્યો પુર્ણ કરી દેવાયા છે. અને શ્રાવણ માસની સંપુર્ણ તૈયારી થઇ ચુકી છે.

આવતીકાલથી શરૂ થતાં શ્રાવણ માસ દરમિયાન જામનગરના શિવ મંદિરોમાં શ્રૃંગાર દર્શન, મહામૃત્યુજય જાપ, થાળ, દિપમાળા, મહાઆરતી, નૂતનઘ્વજા રોહણ, રૂદ્રી, સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત શિવભકતો ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરી દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી ભગવાન મહાદેવને રીઝવવા પ્રયાસ કરશે. સમગ્ર શ્રાવણ માસ અને ખાસ કરીને આ માસ દરમિયાન સોમવારે પૂજા કરવાથી અનેકગણુ પુણ્ય મળતુ હોય શિવભકતોમાં અનેરો થનગનાટ છવાયો છે. આમ આવતીકાલથી જામનગર સહિત સમગ્ર હાલાર પંથક શિવમય બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular