જ્યારથી તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન અમેરિકાની મુલાકાત લઈને આવ્યા છે ત્યારથી તાઈવાન અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે. ચીનના સૈન્યએ સતત બીજા દિવસે તાઈવાનને નિશાન બનાવી યુદ્ધાભ્યાસ કર્યો હતો અને ટાપુ જેવા દેશ તાઈવાનના મુખ્ય લક્ષ્યોને નિશાન બનાવી નકલી એરસ્ટ્રાઈક પણ કરી હતી. ચીનની આ કવાયતથી તાઇવાન પર હુમલાનો ખતરો વધી ગયો છે. તેમજ અમેરિકા આ એકસરસાઇઝ પર સતર્કતા પૂર્વક નજર રાખી રહયું છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે ટાપુની ચોરબાજુ 11 ચાઇનીઝ યુદ્ધજહાજો અને 70 વિમાનોની ઓળખ કરી છે. ચીન તાઈવાન સ્ટ્રેટની નજીક તાઈવાનને ટારગેટ કરીને ત્રણ દિવસ માટે સૈન્ય કવાયત કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર ચીને બીજા દિવસે પણ તેના એર સ્પેસની નજીક 58 ફાઈટર જેટ અને સમુદ્રમાં 9 યુદ્ધજહાજ ઉતાર્યા હતા.
એક અહેવાલ અનુસાર તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે ચીનના યુદ્ધાભ્યાસનો શાંતિ અને સંયમિત રીતે જવાબ આપી રહ્યું છે. તાઈવાને કહ્યું કે સ્થાનિક સમયાનુસાર સાંજના 4 વાગ્યે સુધી જાણ થઈ કે ચીને યુદ્ધવિમાનોમાં ફાઈટર જેટ અને બોમ્બવર્ષક પણ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે ચીન લોકશાહી રીતે સંચાલિત તાઈવાનને પોતાનો ક્ષેત્ર ગણાવે છે અને શનિવારે તેણે ટાપુની ચોરબાજુ ત્રણ દિવસના સૈન્ય અભ્યાસની શરૂઆત કરી હતી.