ચીનની સતત ઉશ્કેરણી ભારત માટે માથાના દુ:ખાવારૂપ બની છે. પૂર્વ લદાખનો વિવાદ હજુ ઉકેલાયો નથી ત્યાં ઉત્તરાખંડમાં ચીને ઘૂસણખોરી કરી માત્ર 70 કિમી અંતરે નવો સૈન્ય અડ્ડો ખડકી ભારતને પડકાર ફેંકયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઉત્તરાખંડના બારાહોતીમાં પપ ઘોડા સાથે 100 જેટલા ચીની સૈનિકોએ પ કિમી અંદર સુધી ઘૂસણખોરી કરી ભારતીય વિસ્તારમાં બનેલો એક પુલ અને માળખુ તોડી પાડયાના અહેવાલ છે. આ ઘટના ગત મહિને ઘટી હતી જેની વિગતો હવે સામે આવી છે. ચીને રાતોરાત આ રીતે ઘૂસણખોરી કરી એવું નથી. લાંબા સમયનું આયોજન કર્યા બાદ ઘૂસણખોરીને અંજામ આપ્યો હતો. બનાવ સ્થળથી 70 કિમી દૂર પીએલએનું નવુ સૈન્ય મથક ઉભું કરી લેવાયું છે.
ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફા તરફથી જાહેર કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી સ્પષ્ટ થયું છે કે ચીની સૈન્યનું મથક ભારત સાથેની એલએસીથી માત્ર 70 કિમી દૂર છે. ચીને ભારત-નેપાળના ટ્રાઈજંકશન પર આ નવું સૈન્ય મથક 4000 મી.ની ઉંચાઈએ બનાવ્યું છે. તેમાં સૈનિકો માટે બેરેક પણ બાંધવામાં આવી છે. વર્ષ ર019થી અહીં નિર્માણ કાર્ય શરૂ કરાયાનું સામે આવ્યું છે. બંન્ને દેશ એક તરફ પૂર્વ લદાખનો વિવાદ ઉકેલવા બેઠક..બેઠક.. કરી રહ્યા છે તેવા સમયે ચીને ભારત વિરૂદ્ધ નવો મોરચો ઉભો કરી લીધો છે. ચીનની આવી તૈયારીઓ ભારત માટે ચિંતાજનક છે.