વિશ્વભરમાં કોરોના સામે લડવા વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભારત સૌથી વધુ વેક્સિન આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ બન્યો છે. દેશમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. તો કેટલાક દેશોમાં 16વર્ષથી વધુ વય ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે કેનેડા વિશ્વનો સૌ પ્રથમ દેશ બન્યો છે કે જ્યાં બાળકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે.
કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના ચીફ મેડિકલ એડવાઇઝર સુપ્રિય શર્માએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ, કેનેડામાં આ પ્રથમ વેક્સિન છે જે બાળકોને કોવિડ-19થી બચાવવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તે મહામારી વિરુદ્ધ કેનેડાની જંગમાં પાયાનો પથ્થર સાબિત થશે. દુનિયામાં સૌથી પહેલા અમે 12-15 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી છે. અમેરિકામાં પણ આગામી સપ્તાહ સુધી 12-15 વર્ષ સુધી બાળકો માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે.
ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા 2260 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ 12થી 15 વર્ષની ઉંમરના જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો.
કેનેડાના ચીફ મેડિકલ એડવાઇઝર સુપ્રિય શર્માએ જણાવ્યુ હતું કે અમેરિકમાં 2000 થી વધુ કિશોરોને રસીના બે ડોઝ લગાવવામાં આવ્યા અને ટ્રાયલથી જાણવા મળ્યું કે,વેક્સીન સુરક્ષિત અને એટલી અસરકારક છે જેટલી વ્યસ્કો પર છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જે બાળકોને આ રસી લગાવવામાં આવી તેમાંથી કોઈપણ કોરોના સંક્રમિત મળ્યા નથી.