જોડિયા પંથકમાં માળિયા-જામનગર ધોરીમાર્ગ પર તરાણા નજીક ટે્રકટર અને ટેન્કર વચ્ચે સર્જા્યેલા અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે 11 વ્યકિતને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતાં.
અકસ્માતની વિગત મુજબ, જોડિયા તાલુકાના જામદુધઇ અને તારાણા વચ્ચે જામનગર-માળિયા હાઈવે પર બુધવારે સાંજે જીજે-10-ડીજે-1170 નંબરના ટે્રકટરમાં શ્રમિકો જીરાગઢ તરફ જઈ રહ્યા હતાં આ દરમિયાન એચઆર-55-એચ-2588 નંબરના ટેન્કરે પૂરપાટ દોડતા ટે્રકટરને હડફેટે લેતા ટે્રકટર કોઝવે પરથી નીચે પડયું હતું. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ કિશોર અને તરૂણ સહિત સાત જેટલા પરપ્રાંતિય શ્રમિકોને નાની મોટી ઈજા થઈ હતી તેમજ મહાકાય વાહન હેઠળ દબાયેલા આશરે 12 વર્ષના બાળકનું ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતમાં ઘવાયેલા 11 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જે પૈકી પાંચ લોકોને મોરબી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા જોડિયાના પીએસઆઈ ડી.પી. ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.