જામનગર શહેરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાછળ આવેલા દેવીપૂજક વાસમાં રહેતો તરૂણ બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે હરિયા કોલેજ નજીક આવેલા ઈલેકટ્રીક થાંભલા પર ચડતો હતો ત્યારે વીજશોક લાગતા દાઝી જવાથી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ , જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાછળ આવેલા દેવીપૂજક વાસમાં રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે ભોમો મુકેશભાઈ પરમાર (ઉ.વ.13) નામનો તરૂણ ગત તા.13 ના રોજ રાત્રિના સમયે હરિયા કોલેજ રોડ પર આવેલા પેટ્રોલ પમ્પ પાસેના ઈલેકટ્રીક થાંભલા પર ચડયો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતા શરીરે દાઝી ગયો હતો. ત્યારબાદ સારવાર માટે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે તરૂણનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પિતા મુકેશભાઇ દ્વારા કરાતા તાત્કાલિક પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.