જામજોધપુર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો પુત્ર પતંગ લેવા જતાં ખેતરના સેઢે રાખેલા વાયરને અડી જતા વીજશોક લાગતા મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ખેતરના માલિક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે સવારના સમયે જામજોધપુર ગામમાં પાટણ રોડ પર હિના મિલ પાસે રહેતા રામાભાઈ કાનાભાઈ મુસાર નામના યુવાનનો પુત્ર વિજય રામાભાઈ મુસાર (ઉ.વ.14) નામનો બાળક ગઈકાલે ખેતરના સેઢે ગોઠવેલા વાયરમાં ફસાયેલી પતંગ લેવા જતાં સમયે વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા મૃતકના પિતા રામાભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ એ.એસ. રબારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી ખેતરના સેઢે ફરતે વાયર ગોઠવી ઇલેકટ્રીક પ્રવાહ ચાલુ રાખનાર ખેતરના માલિક ચંદુભાઈ ઠકરશીભાઈ બકોરી નામના વૃદ્ધ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.