કાલાવડ જામનગર રોડ ઉપર મોટા થાવરીયા ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલને અડફેટ લેતા મોટરસાઇકલમાં બેસેલ બાળક ઉછળીને રોડ ઉપર પટકાતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટાથાવરીયા ગામમાં રહેતા અશોકભાઇ વિઠલભાઇ ચોવટીયા નામના યુવાન પોતાનું જીજે10 બીસી 5363 નંબરનું મોટરસાઇકલ લઇ પોતાના પુત્ર રૂત્વીક (ઉ.વ.16)ને ઠેબા ગામે સ્કૂલ બસમાં બેસાડવા જતાં હોય આ દરમિયાન કાલાવડ જામનગર રોડ ઉપર મોટા થાવરીયા ગામના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા પાછળથી આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે પાછળથી પોતાનું વાહન બેફિકરાઇથી પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના મોટરસાઇકલને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે મોટરસાઇકલમાં સવાર ફરિયાદીના પુત્ર રૂત્વીક મોટરસાઇકલમાંથી ઉછળીને રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ બાઇક ચાલક ફરિયાદીને પણ શરીરે અને હાથ પગમાં ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છુટયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે અશોકભાઇ વિઠલભાઇ ચોવટીયાએ અજાણ્યા વાહન ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


