રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત ક્રિકેટ ક્ષેત્રે ગર્વ લઈ શકે તેવી ઐતિહાસિક ક્ષણ આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે આવી છે. રાજકોટના ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાની ‘ધ વોલ’ ચેતેશ્વર પુજારા આજે ઑસ્ટ્રેલિયા સામે પોતાની કારકીર્દિની 100મી ટેસ્ટ મેચ રમવા ઉતર્યો કે એક યાદગાર ઈતિહાસ રચાઈ ગયો છે.
ચેતેશ્વર પુજારાના આ માઈલસ્ટોન સમી ઉપલબ્ધી હાંસલ કરવા બદલ લેજન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના હસ્તે તેને સ્પેશ્યલ કેપ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે ખાસ સ્ટેડિયમ પર ઉપસ્થિત રહીને ચેતેશ્વરનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
આ વેળાએ ચેતેશ્વરના પિતા અને તેના ગુુરૂ અરવિંદભાઈ પુજારા, પત્ની પુજા અને પુત્રી અદિતી ખાસ ઉપસ્થિત રહ્યા. દરમિયાન ચેતેશ્વરને ટેસ્ટ કેપ એનાયત કર્યા બાદ સુનિલ ગાવસ્કરે સંબોધન કરતાં જણાવ્યું કે ચેતેશ્વર પુજારા જ્યારે બેટિંગ કરવા ગ્રાઉન્ડ ઉપર ઉતરે છે ત્યારે હાથમાં બેટ હોય તેવું નહીં બલ્કે તેના હાથમાં ભારતનો ઝંડો હોય તેવું લાગી આવે છે. હું તેમને શુભેચ્છા આપું છું કે તેઓ સૌપ્રથમ એવા ક્રિકેટર બને જે 100મી ટેસ્ટમાં સદી પૂર્ણ કરીને ટીમને જીત અપાવે.