જામનગર શહેરના મુખ્ય માર્ગો પર અવાર-નવાર ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ સર્જાતી રહે છે. તેમાં પણ ખાસ કરીને શહેરના મુખ્ય પ્રવેશદ્વારો જેવા કે જામનગર-રાજકોટ, જામનગર-ખંભાળિયા માર્ગ પર છાશવારે ટ્રાફિક જામ થઈ જતો હોય છે જેમાં પણ હાલમાં શહેરમાં બની રહેલા ઓવરબ્રીજના નિર્માણને લઇને અનેક રસ્તાઓ બંધ હોવાથી આ સમસ્યામાં વધારો થયો છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અવાર-નવાર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કારમાં લગાડેલી બ્લેકફિલ્મ, સીટ બેલ્ટ, લાયસન્સ, પીયુસી જેવી ચકાસણી કરી દંડની કાર્યવાહી કરવામાં આવે છે. સોમવારે લાલપુર બાયપાસ નજીક ખંભાળિયા ગેઈટ પીએસઆઈ વી.કે. ગઢવી તથા ટ્રાફિક પીએસઆઈ એમ.જે. મોઢવાડિયા સહિતના સ્ટાફ દ્વારા બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ અંતર્ગત કારમાંથી કાળી ફિલ્મો દૂર કરાવવી, લાયસન્સ, પીયુસી, સીટ બેલ્ટ બાંધવા જેવા નિયમોનું પાલન કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.