કેન્સરના જીવલેણ રોગ માટે એક મહત્વના કારણ એવા તમાકુના સેવન સામે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમાકુના સેવનથી ખાસ કરીને યુવાનોમાં કેન્સર સહિતની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા પણ છેલ્લા દોઢ દાયકાથી આ કાર્યક્રમ અમલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમાકુ સામેની ચાલી રહેલી ઝુંબેશ તેમજ કાર્યવાહીમાં હાલ નોડલ ઓફિસર તરીકે ડોક્ટર મિતેશ ભંડેરી તેમજ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તમાકુના વેચાણ તેમજ નિયમોની અમલવારી અંગેની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં જુદા જુદા વિસ્તારોમાં તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કુલ 13 વિક્રેતાઓ સામે તમાકુ નિયંત્રણ અધિનિયમની કલમ મુજબ કાર્યવાહી કરીને આવા વેપારીઓ પાસેથી રૂ. 2,350 નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, વેપારીઓને આ નિયમની અમલવારી અંગેના નિયમોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આગામી દિવસોમાં પણ કામગીરી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુના સો વારની ત્રિજ્યામાં તમાકુના વેચાણ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.