છેલ્લાં એક દાયકાથી દેશભરમાં 31 ડિસેમ્બરે ઉજવણી કરાતા નવા વર્ષના વધામણા સમયે ઈંગ્લીશ દારૂની પાર્ટીનું ચલણ વધતુ જાય છે અને આ નવા વર્ષની પાર્ટી માટે દારૂ બંધી વાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ ન જાય તે માટે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂબંધી ડામવા તથા આવારા તત્વોને કાબુમાં લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી નયના ગોરડીયા તથા સીટી સી અને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સંયુકત ચેકિંગ કામગીરી ગત રાત્રિના કરવામાં આવી હતી. જેમાં સંતોષી માતાજીના મંદિર પાસે પોલીસે પસાર થતા વાહનો અને કારચાલકોનું ચેકિંગ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રોમિયોગીરીની ફરિયાદોને લઇ જામનગર પોલીસ દ્વારા મહિલા કોલેજ પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિટી બી ડીવીઝનના એમ વી મોઢવાડિયા સહિતના સ્ટાફ દ્વારા વાહનચાલકો પાસેથી લાયસન્સ, પીયુસી સહિતની બાબતોનું ચેકિંગ હાથ ધર્યુ હતું. તેમજ કારણ વિના કોલેજ પાસે ફરતા વાહનચાલકોની પણ પૂછપરછ કરી હતી.