જામનગર પીજીવીસીએલની ટીમો દ્વારા જામજોધપુર અને જામનગર શહેરના વિસ્તારોમાં ગુરૂવારે હાથ ધરાયેલાં ચેકીંગ દરમ્યાન 80 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 41.80 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા. સોમવારથી શરૂ કરાયેલી ચેકિંગ કામગીરી અવિરત ચાલુ રહેતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા સોમવારથી શહેર અને જિલ્લામાં ચેકિમંગ કામગીરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુરૂવારે પીજીવીસીએલની 37 ટીમો દ્વારા 12 એકસઆર્મીમેન અને 21 લોકલ પોલીસ સાથેના બંદોબસ્ત વચ્ચે જામજોધપુર તાલુકાના મોટાવડિયા અને રબારીકા સહિતના વિસ્તારો તેમજ જામનગર શહેરમાં જલારામ ઝુંપડ પટી લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાની જાર અને પંચેશ્ર્વર ટાવર સહિતના વિસ્તારોમાં ચેકંગ દરમ્યાન કુલ 385 જોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 80 જોડાણોમાં ગેરરીતિ મળી આવા પીજીવીસીએલની ટીમે 41.80 લાખના બિલો ફટકાર્યા હતા.
આ પૂર્વે બુધવારે ખંભાળિયા અને જોડિયા પંથકમાં 439 જોડાણો તપાસતાં 68મા ગેરરીતિ ઝડપાતા 52.15 લાખના બિલો ફટકાર્યા હતા અને મંગળવારે જામનગર તાલુકા અને કલ્યાણપુર તાલુકામા: 413 જોડાણો તપાસતાં 79માં ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં પીજીવીસીએલ દ્વારા 64.50 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા અને સોમવારે જામનગર શહેર અને લાલપુર તથા જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 451 જોડાણો તપાસતાં તે પૈકીના 92 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 57.62 લાખના બિલો ફટકાર્યા હતા.