જામનગર શહેરમાં રહેતા યુવાનને લૂટેરી દુલ્હનનો ભેટો થઈ જતા યુવાન સાથે લગ્ન કરવાની લાલચ આપી દોઢ લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે યુવતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની રાજ ચેમ્બર પાસેના વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા પ્રિતેશ ધિરજલાલ શાહ (ઉ.વ.41) નામના યુવાનને લગ્ન કરવાના હોય જે સંદર્ભે તેના કાનાછીકારી ગામમાં રહેતા સગાસંબંધીઓને જાણ કરી હતી જેથી વિજય બારોટ અને તેની પત્ની કાજલ વિજય બારોટ નામના દંપતીએ ફેબ્રુઆરી 2020 માં મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના સાવરકરનગરમાં રહેતી પાયલ પ્રદિપ બસોડ નામની યુવતી સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી અને આ વાતચીત બાદ યુવતી સાથે મુલાકાત કરાવી રૂા.1.50 લાખમાં લગ્ન કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ પ્રિતેશ અને યુવતી પાયલનો મૈત્રી કરાર કરાવી દીધો હતો અને ત્યારબાદ આ દંપતી અને યુવતીએ પ્રિતેશ પાસેથી રૂા.1.50 લાખ પડાવી લીધા હતાં અને ત્યારબાદ યુવતી ત્રણ દિવસ સુધી પ્રિતેશના ઘરે રોકાઈ હતી.
ત્રણ દિવસ બાદ કાજલ અને વિજય બારોટ નામનું દંપતી પ્રિતેશના ઘરે આવ્યું હતું અને પાયલને લઇ ગયા હતાં અને હવે લગ્ન કરવાનું જણાવ્યું હતું. પરંતુ દંપતી અને યુવતીના ગયા બાદ આ લગ્નસંબંધે દંપતી દ્વારા કોઇ સંપર્ક કે વાતચીત કરવામાં આવી ન હતી. જેથી િ5્રતેશે અવાર-નવાર દંપતીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ લગ્ન મામલે કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી આખરે કંટાળીને પ્રિતેશે યુવતી અને દંપતી વિરૂધ્ધ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે ત્રણેય શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.