વર્તમાન સમયમાં શેર બજારમાં ટૂંકા રસ્તે પૈસા બનાવવાની લોકોની લાલચનો ગેરલાભ ગઠિયાઓ દ્વારા લેવામાં આવતો હોવાના બનાવ અવારનવાર બને છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે શેરબજારમાં પ્રોફિટની લાલચે થયેલી રૂ. 1.42 લાખની ઠગાઈ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાન રાજ્યના એક શખ્સને દબોચી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના એક આસામીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ઉપર જુદા જુદા નામથી ચેનલો બનાવીને સો ટકા નફો મેળવી આપવાની લાલચ દ્વારા રૂપિયા 1,42,308 ની છેતરપિંડી થયાનો બનાવ નોંધાયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી. પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા આ અંગેની ટેકનિકલ માહિતી મેળવીને રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપોર તાલુકાના રહીશ એવા તેજરામ ભરતલાલ મીણા (ઉ.વ.31) નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
ડી. જે. વાદક તરીકેનું કામ કરતા આરોપી તેજરામ ભરતલાલ દ્વારા જે-તે આસામીને શેરબજારમાં સો ટકા નફો મેળવી આપવાની લાલચ આપીને શેર ટ્રેડિંગ વિગેરેમાં રોકાણ કરાવી ખોટા શેર ટ્રેડિંગના બિલો મોકલીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાહેર થયું છે. આરોપી શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 15,000ની કિંમતના મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કરજે કર્યો હતો.
ટેલિગ્રામ, વ્હોટસએપ વિગેરે જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવતી શેરબજારની ટીપ તેમજ લીંકનો વિશ્વાસ ન કરીને ફ્રોડ સાઇટ્સ થી દૂર રહી, યોગ્ય અભ્યાસ બાદ જ શેરબજારમાં રોકાણ કરવા અને લાલચમાં આવ્યા આવીને શેર બજારમાં આવી રીતે રોકાણ ન કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. છેતરપિંડી કે ફ્રોડની પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમના પોર્ટલ 1930 અથવા નજીકના સાયબર પોલીસ મથકનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવાયું છે.


