રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ પણ દૂ૨ ક૨વામાં આવી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.
મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા સહિત મંડળના હોદ્દેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર ફળદાયી બેઠક યોજાઇ હતી. જેની ફળશ્રુતિ સ્વરૂપે આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોને સંઘો દ્વારા વધાવી લઇ તેને ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા છે.