ગુજરાતમાં અગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી રાજ્યના મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. હજુ પણ ગુલાબ વાવાઝોડાના પરિણામે સર્જાયેલ સાઈકલોનિક સર્ક્યુલેશનના પરિણામે 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ છે.
ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર નહી થાય પરંતુ આગામી 24કલાક સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 40 થી 60કિમીની ઝડપે પવન ફુંકાવવાની પણ શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જીલ્લાઓ અમદાવાદ, જામનગર, દ્વારકામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના મતે અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યભરમાં સારો એવો વરસાદી માહોલ રહેશે. ભારે પવન તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યભરમાં મેઘરાજા સમગ્ર વિસ્તારોને ધમરોળશે.