જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વતની અને હાલ મુંબઇ નિવાસી વેપારી યુવાનની ચાંપાબેરાજા ગામની સીમમાં આવેલી ખેતીની જમીન છ વર્ષથી ચાંપાબેરાજાના શખ્સે કબ્જો કરી પચાવી પાડવા અંગે કલેકટરમાં કરેલી અરજીના આધારે ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વતની અને હાલ મુંબઇમાં ગોરેગાવ વેસ્ટમાં રહેતાં કેતનભાઈ રમેશભાઈ ગોસરાણી નામના વેપારી યુવાનની ચાંપાબેરાજા ગામની સીમમાં આવેલી સંયુકત ખેતીની જમીન રેવન્યુ સર્વે નંબર જૂના 118 તથા નવા 267 નું ક્ષેત્રફળ 3-41-20 હે.આરે.ચો.મી. વાળી તથા રેવન્યુ સર્વે નં. જૂના 13 અને નવા 73 વાળીની 0-53-62 હે.આરે.ચો.મી.ની કુલ 21 વીઘા ખેતીની જમીન ચાંપાબેરાજાના કુંવરસિંહ મહોબતસિંહ જાડેજા નામના શખ્સે છ વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. આ પ્રકરણમાં વેપારી દ્વારા જિલ્લા કલેકટરને લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે કલેકટરે આદેશ કરતા ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સ્ટાફે અરજીના આધારે કુંવરસિંહ જાડેજા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ વધુ તપાસ આરંભી હતી.