નાનુ પરંતુ સૌને ગમતું પક્ષી ચકલી દરેક ઘર તથા ફળિયાની શાનરૂપ બની રહે છે. વિશ્ર્વમાં લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે સર્વત્ર સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રકારના પ્રયત્નો તથા પ્રવૃતિઓથી ચકલીની પ્રજાતિને બચાવવા તેમજ મદદરૂપ થવા માટે લોકો વિવિધ પ્રકારના કાર્યો કરી, પગલાં લ્યે છે.
ખંભાળિયામાં પણ સેવાભાવી યુવા કાર્યકર દ્વારા તેમના નવનિર્મિત સોનાના આભૂષણના શોરૂમના પ્રારંભ પ્રસંગે આમંત્રણ પત્રિકારૂપે ચકલીનો માળો આપવામાં આવ્યો છે. ખંભાળિયાના જૂની અને જાણીતી સોની પેઢી ધરાવતા સ્વ. કાંતિલાલ દેવકરણ વાયા પરિવારના મૌલિકભાઈ વાયા દ્વારા તેમના દેવ જ્વેલર્સ શોરુમના આવતીકાલે ગુરુવારે પ્રારંભ પ્રસંગે શહેરમાં આમંત્રણ પત્રિકા રૂપે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ફોલ્ડિંગ માળો કોઈપણ વ્યક્તિ સરળતાથી વ્યવસ્થિત રીતે બનાવી અને પોતાના ઘર કે ફળિયામાં રાખી શકે છે. હાલ ગરમીના માહોલમાં ચકલીને સહાયભૂત થવા માટેના આશયથી યુવા કાર્યકરની આ સેવા પ્રવૃતિ પ્રેરણારૂપ બની રહી છે.