દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા હવે ઓફિસોને તેની પૂરી ક્ષમતા સાથે ખોલવામાં આવી રહી છે. કર્મચારી રાજય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આજથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે ઓફિસમાં હાજરી પુન:સ્થાપિત કરી દેવામાં આવી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કોવિડના કેસોની સાથે ચેપના દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલથી ઓફિસમાં સંપૂર્ણ હાજરી પુન:સ્થાપિત કરવામાં આવશે અને તમામ સ્તરે કર્મચારીઓએ કોઈપણ છૂટછાટ વિના 7 ફેબ્રુઆરી, 2022 થી નિયમિત ધોરણે ઓફિસમાં હાજર રહેવું પડશે,’ એમ કર્મચારી રાજયમંત્રીએ જણાવ્યું હતું.
મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વિભાગોના વડાઓએ સુનિશ્ર્ચિત કરવું પડશે કે કર્મચારીઓ હંમેશાં ફેસ માસ્ક પહેરે અને કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરે. કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરીએ અન્ડર સેક્રેટરી સ્તરથી નીચેના તેના 50 ટકા કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમની વ્યવસ્થા 15 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી.
સંબંધિત વિભાગોનો અભિપ્રાય લીધા પછી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, કર્મચારી અને તાલીમ વિભાગે એક નવું ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું જેમાં જાણ કરવામાં આવી હતી કે તમામ સ્તરના તમામ કર્મચારીઓ 7 ફેબ્રુઆરીથી ઓફિસમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ વિના હાજર રહેશે.’ સિંહે ઉમેર્યું હતું કે, કોઈપણ કર્મચારી માટે હવે ’ઘરેથી કામ કરવા’ માટેનો કોઈ વિકલ્પ રહેશે નહીં.