દેશમાં જેમને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને અગ્રતાનાં ધોરણે વેક્સિન આપવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી છે. કેન્દ્રએ આપેલા વેક્સિનનાં સપ્લાયમાંથી 70 ટકા જથ્થો બીજા ડોઝ માટે અલાયદો રાખવા રાજ્યોને કહેવાયું છે. જ્યારે 30 ટકા ડોઝ પહેલા તબક્કા માટે અલગ રાખવા કહેવાયું છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને વેક્સિનનો ઓછામાં ઓછો બગાડ કરવા તાકીદ કરી છે. રાજ્યો દ્વારા કરવામાં આવેલા વેસ્ટેજ જો રાષ્ટ્રીય સરેરાશ કરવા વધુ હોય તો તેને પછીનાં જથ્થામાં એડજસ્ટ કરવામાં આવશે. મંગળવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં અધિકારીઓ સાથેની બેઠકમાં કેન્દ્રનાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને કોરોના અંગેનાં ઉચ્ચ સત્તા ધરાવતા ગ્રુપનાં ચેરમેન ડો. આર એસ શર્માએ કહ્યું હતું કે અનેક રાજ્યોમાં લાખો લોકો એવા છે કે જેમણે હજી વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેમની જરૂરિયાતો પૂરી કરવા અને વેક્સિનનો બીજો ડોઝ આપવા તાકીદની જરૂર છે.
જેમણે પહેલો ડોઝ લીધો છે તેમને બીજા ડોઝમાં અગ્રતા આપવા રાજ્યોને અપીલ કરાઈ છે. રાજ્યોને આગામી 3 દિવસમાં વધુ 7,29,610 વધારાનાં વેક્સિનનાં ડોઝ આપવામાં આવશે. રાજ્યો પાસે હજી 90 લાખથી વધુ ડોઝ પડેલા છે. સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને 18 કરોડથી વધુ વેક્સિનનાં ડોઝ આપ્યા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 17,26,33,761 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 95,63,406 હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 65,05, 072 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 1,40,49,681 ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 78,51,075 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18થી 44 વર્ષની વય જૂથનાં 25,52,843 લોકોને વેક્સિન અપાઈ હતી. 45થી 59 વર્ષનાં 5,54,97,658 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 71,73,939 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 60થી વધુ વયનાં 5,38,00,706 લોકોને પહેલો ડોઝ અને 1,56,39, 381 લોકોને બીજો ડોઝ અપાયો હતો.
દેશમાં હરિયાણા, આસામ અને રાજસ્થાન દ્વારા વેક્સિનનો સૌથી વધુ બગાડ કરવામાં આવ્યો છે. હરિયાણાએ 6.49 ટકા, આસામ દ્વારા 5.92 ટકા અને રાજસ્થાન દ્વારા 5.68 ટકા વેક્સિન વેસ્ટ કરાઈ છે. મેઘાલયે 5.67 ટકા, બિહારે 5.20 ટકા, મણિપુરે 5.19 ટકા, પંજાબે 494 ટકા અને દાદરાનગર હવેલીએ 4.5 ટકા વેક્સિન વેડફી હતી.
મંત્રાલયે કહ્યું હતું કે જો યોગ્ય લાગે તો રાજ્યો પૂરેપૂરો 100 ટકા જથ્થો બીજા ડોઝ માટે અનામત રાખી શકે છે. રાજ્યોને બંને ડોઝ લેવા માટે લોકોમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવા પણ રાજ્યોને કહેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે પ્રાયોરિટી ગ્રૂપ નક્કી કરવામાં આવ્યા છે તેવા 45 પ્લસ લોકોને તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને અગ્રતાનાં ધોરણે વેકિસન આપવા સૂચના અપાઈ છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વેક્સિનનો બગાડ અટકાવવા જરૂરી પગલાં લેવા ફરમાન કર્યું છે. રાજ્યો વેક્સિન આપવાનું પ્લાનિંગ કરી શકે તે માટે તેમને 15 દિવસ પહેલા કેટલો ડોઝ આપવામાં આવશે તેની જાણ કરાશે. હવે 15થી 31 મે માટે કેટલો જથ્થો ફાળવાશે તેની જાણ રાજ્યોને 14મી મેનાં રોજ કરાશે.
વેક્સિનના 70% ડોઝ નાગરિકોને બીજા ડોઝ તરીકે આપવા અનામત રાખવા તમામ રાજયોને કેન્દ્ર સરકારની સુચના
રાજયોમાં વેક્સિનનું વિતરણ અયોગ્ય પ્રાયોરિટીથી થતું હોવાની ફરિયાદો ઉઠયા પછી સરકારનો આદેશ