દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના મુદ્દે શનિવારે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે આ મુદ્દાને ગંભીર અને અંત્યત મહત્વનો મુદ્દો ગણાવતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મુદ્દે ચર્ચા કરવી જોઇએ જેથી ગ્રાહકોને યોગ્ય કિંમતે ઇંધણ સપ્લાય મળી રહે.
દેશમાં વિતેલા 12 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે અને હવે સ્થિતિ એવી છે કે કેટલાક શહેરોમાં પ્રતિ લિટર 100 રુપિયા કે તેથી વધુ આંકડો પાર થઇ ચૂક્યો છે. જેના લીધે કેન્દ્ર સરકાર વિપક્ષ અને જનતાના નિશાને આવી ગઇ હતી.
સામાન્ય નાગરિકના જીવન ધોરણ પર સીધી અસર પાડતા પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવના મુદ્દે નાણાં મંત્રીનું કહેવુ હતું કે, આ સમસ્યાનો જવાબ એક જ રીતે આપી શકાય છે કે ઇંધણના ભાવ ઓછા કરી દેવામાં આવે. આજે દરેક ભારતીયને બસ એક જ જવાબ જોઇએ છે કે, શું સરકાર કિંમત ઓછી કરી રહી છે કે નહીં? તેમણે આગળ જણાવ્યું કે OPEC દેશોએ ઉત્પાદનનું જે અનુમાન લગાવ્યું હતું એ પણ નીચે જવાની સંભાવના વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. ઓઇલના ભાવ પર સરકારનો અંકુશ નથી, તેને ટેકનિકલ રીતેઇ અલગ કરી દેવામાં આવ્યા છે અને ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલ ખરીદી છે, રિફાઇન કરીને વેચી રહી છે.