ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો (UNESCO) એ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH)ની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવી છે.
View this post on Instagram
આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને યુવા, રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ દ્વારા જામનગરના પુરાતત્ત્વીય સંગ્રહાલય ખાતે 1000 દીવડાઓ પ્રજવલ્લિત કરવામાં આવ્યા હતા. તેમજ રંગોળીઓ અને રોશનીના શણગારથી સમગ્ર લાખોટા તળાવ ઝળહળી ઉઠ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા સેવા સદન અને સાત રસ્તા સર્કલ ખાતે પણ રંગબેરંગી રોશનીનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહપૂર્વક આવકારવા માટે આજે સવારે 9:00 વાગ્યાથી શહેરના ટાઉનહોલ ખાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.
દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નહી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.


