Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતનારી શક્તિ દ્વારા એકતાની શક્તિ : ખોડલધામ મંદિરે વિશ્વ મહિલા દિવસની ઉજવણી

નારી શક્તિ દ્વારા એકતાની શક્તિ : ખોડલધામ મંદિરે વિશ્વ મહિલા દિવસની ઉજવણી

ખોડલધામ જિલ્લા મહિલા સમિતિ-જામનગર દ્વારા મંદિરે 11 ધ્વજાજીનું આરોહણ કરાયું : ગુજરાતભરમાંથી 10 હજારથી વધુ મહિલાઓની ઉપસ્થિતિ

- Advertisement -

એટલે વિશ્વ મહિલા દિવસ.. વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે ત્યારે ખોડલધામ મંદિરે વિશ્વ મહિલા દિવસ-2022ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પ્રેરણા અને પ્રોત્સાહનથી ખોડલધામ જિલ્લા મહિલા સમિતિ-જામનગર દ્વારા એક જ દિવસમાં મંદિરના શિખર પર 11 ધ્વજાજીનું આરોહણ કરાયું હતું જ્યારે ખોડલધામ તાલુકા મહિલા સમિતિ-ગોંડલ દ્વારા 21 મણનો ચુરમાનો લાડુ માઁ ખોડલને પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયેલા વિશ્વ મહિલા દિવસના આ ભક્તિમય કાર્યક્રમમાં ગુજરાતભરની ખોડલધામ પરિવારની 10 હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી અને માઁ ખોડલનાધામમાં 11 ધ્વજારોહણ કરી માઁ ખોડલનો પ્રસાદ લીધો હતો.

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજની નારી વધુને વધુ સશક્ત બને તેવા હંમેશા પ્રયત્નો કરવામાં આવતાં હોય છે. દરવર્ષે મહિલા દિવસની વિવિધ પ્રકારે ઉજવણી કરાતી હોય છે. ત્યારે વર્ષ 2022નો વિશ્વ મહિલા દિવસ માઁ ખોડલના ધામમાં ઉજવવાનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં નારી શક્તિ દ્વારા એકતાની શક્તિના દર્શન થયાં હતાં. તા. 8મી માર્ચને મંગળવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ મંદિર ખાતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં ખોડલધામ જિલ્લા મહિલા સમિતિ-જામનગર એક જ દિવસમાં 11 ધ્વજાજીનું આરોહણ કરાયું હતું. સવારે ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે હજારો બહેનોની ઉપસ્થિતિમાં 11 ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગમંચથી વાજતે-ગાજતે રાસ-ગરબાની રમઝટ સાથે ધ્વજાજીના સામૈયા કરવામાં આવ્યા હતાં અને મંદિરે પહોંચીને માઁ ખોડલને ધ્વજા અર્પણ કરીને મંદિરના શિખર પર એક બાદ એક 11 ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું.

તા. 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ હોય ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલની બહેનો દ્વારા માઁ ખોડલના ચરણોમાં પ્રસાદીરૂપે 21 મણનો ચુરમાનો લાડુ અર્પણ કરવાનું આયોજન કરાયું હતું. આ માટે ગોંડલમાં વસતાં લેઉવા પટેલ સમાજના દરેક ઘરેથી ઘઉં અને ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. એકઠાં થયેલા આ ઘઉં અને ઘીમાંથી 21 મણનો પ્રસાદીનો ચુરમાનો લાડુ બનાવવામાં આવ્યો હતો. લાડુના દર્શન મંદિરે આવતા ભક્તો કરી શકે તે માટે લાડુને મંદિરે મૂકવામાં આવ્યો હતો. આ પ્રસાદીના લાડુના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા અને આ લાડુમાંથી ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી.

- Advertisement -

ખોડલધામ મંદિર ખાતે ઉજવાયેલા વિશ્વ મહિલા દિવસના આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને હાજર તમામ મહિલાઓને શુભકામના પાઠવી હતી. નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામ જિલ્લા મહિલા સમિતિ-જામનગર દ્વારા 11 ધ્વજાજીનું આરોહણ અને ખોડલધામ તાલુકા મહિલા સમિતિ-ગોંડલ દ્વારા 21 મણ લાડુનો પ્રસાદ અર્પણ કરવાનો આજના દિવસે જે અનોખો વિચાર કરવામાં આવ્યો છે. તે બદલ બન્ને સમિતિની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં એકત્ર થયાં છો તે લેઉવા પટેલ સમાજનો ભાવ દર્શાવે છે. આપણા સંગઠનની જ્યોત હંમેશા પ્રજવલ્લિત રહે. આ લાગણી અને ભાવ તૂટે નહીં તેની જવાબદારી આપ સૌ મહિલાઓની છે. સમાજમાં રહેલા અમુક સામાજિક પ્રશ્ર્નોનું નિરાકરણ આપ મહિલાઓ જ લાવી શકો છો. આજના વિશેષ દિવસે માઁ ખોડલને પ્રાર્થના કે આપ સૌને આનંદમાં રાખે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ મંદિર પરિસરમાં મહિલાઓની મદદથી ‘વિશ્વ મહિલા દિવસ’ લખવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસના શબ્દોની ઝાંખી થાય એ રીતે મહિલાઓ કતારમાં ગોઠવાઈ હતી.
ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલમાં ઉજવાયેલા વિશ્વ મહિલા દિવસના આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપરાંત ટ્રસ્ટીઓ, ક્ધવીનરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુજરાતભરમાંથી ખોડલધામ પરિવારની 10 હજારથી વધુ મહિલાઓ હાજર રહી હતી અને નારી શક્તિ થકી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular